Please wait...
પ્રદૂષણ ઓકતા એકમને સીલ કરવાની સત્તા : ૧૨ જીઆઇડીસીને એક રૂપિયાના ટોકન દરે જમીન આપવા હુકમ
ગુજરાતની પ્રત્યેક ઔદ્યોગિક વસાહતોમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એક કચેરી ફરજિયાત બનાવતો આદેશ જારી કરાયો છે. આ કચેરી જે તે એકમ દ્વારા ફેલાવાતા તમામ પ્રકારના પ્રદૂષણ ઉપર નજર રાખશે અને નિયમિત મોનિટરિંગ કરશે. જરૂર પડ્યું પ્રદૂષણ ઓકતા એકમને તત્કાલ નોટિસ ફટકારી સીલ કરી દેશે. પ્રથમ તબક્કે વધારે પ્રદૂષણ ફેલાવતી ૧૨ વસાહતોને, પ્રદૂષણ નિયંત્રણની કચેરી માટે એક રૂપિયાના ટોકન દરે બે હજાર ચોરસમીટર જમીન આપવાનું નક્કી કરાયું છે.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકે રાજ્યની ૧૮૨ વસાહતોના મેનેજરોને હુકમ કર્યો છે કે, તેમણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ઊભી કરવા ૨૦૦૦ ચોરસફૂટ જમીન ખુલ્લી કરવી અને તે એક રૂપિયાના ટોકન દરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપવી. ફાળવવામાં આવેલી આ જગ્યામાં તાત્કાલિક બિલ્ડિંગ તૈયાર કરવાનું રહેશે.
વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ અને પ્રદૂષણ ઓકતા એકમોને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા સાથે મંજુરી આપવામાં આવે છે. આમ છતાં હવા અને પાણીનું પ્રદૂષણ નિયંત્રિત થઇ શકતું નથી. પ્રદૂષણ ફેલાવતા એકમોને ગાંધીનગર કે બોર્ડની પ્રાદેશિક કચેરી મારફતે નોટિસ આપવામાં આવતી હોય છે, પણ તેની પ્રક્રિયા ઘણી લાંબી હોવાથી ઘણીવખત દુર્ઘટના સર્જાતી હોય છે.
રાજ્ય સરકારે હવા અને પાણીના પ્રદૂષણને ઘટાડવાના પ્રયાસરૂપે તાજેતરમાં નિગમના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એવું નક્કી થયું હતું કે ૧૮૨ વસાહતોમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી બનાવવામાં આવે તો સીધી નજર રાખી શકાય તેમ છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઔદ્યોગિક વિકાસ નિગમ પાસે ૨૦૦૦ થી ૨૫૦૦ ચોરસફૂટના બાંધકામ ધરાવતો શેડ માગ્યો હતો, જેને મંજુરી અપાઈ છે.
પ્રત્યેક વસાહતમાં બોર્ડની ઓફિસ સાથે વિઝિલન્સ કચેરી પણ કાર્યરત થશે, જેથી નિયમિત મોનિટરિંગ થઈ શકે. નિગમની મળેલી ૪૫૨મી બોર્ડ મિટિંગમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વધુમાં વધુ ૨૦૦૦ ચોરસમીટર જમીન અથવા ૨૫૦૦ ચોરસફૂટનું મકાન બની શકે તેવો શેડ આપવાનો નિર્ણય લેવાયો છે.